Friday, November 19, 2010

"તિમિર નો વિચ્છેદ"
લેખક- દિલીપ આર પંચમીયા
પ્રસ્થાવના
માનવી નું જીવન એક એવી શાળા છે જેના વર્ગ ચોવીસ કલાક નિરંતર ચાલતા રહે છે. એક સૈનિક પોતાના સેનાપતિ નો હુકમ પાળવા જે રીતે સુતા-જાગતા ચોવીસે કલાક તૈનાત હોય તેમ એક જાગૃત આત્મા ઈશ્વરે આપેલી પાંચે ઇન્દ્રિયોના પ્રવેશ દ્રાર હરહંમેશ ખુલ્લા રાખીની આ ઇન્દ્રિયો દ્રારા પ્રવેશતા જ્ઞાન ના ધોધ ને આવકારે અને તેમાંથી પોતાને યોગ્ય લાગે તે જાણે તથા શક્ય હોય તો અપનાવે અને બાકીનું જ્ઞાન લાકડા નો દડો જેમ ભીત ઉપર ફેકતા પાછો ફરે તેમ છોડી દે.
કોઈ પણ વ્યક્તિ ના જીવન કાળ દરમિયાન જે જે વ્યક્તિઓએ તેના પર પ્રભાવ પાડ્યો હોય તે દરેક તેના વિકાસમાં ભાગીદાર હોય. પછી માવતર હોય, ભાઈ-બંધુ હોય, શાળા કે કોલેજ ના શિક્ષક હોય, સગા-સબધી હોય, આડોશી-પાડોશી હોય, નાના બાળક હોય કે પુક્ત કે પ્રૌઢ હોય. એક જ્ઞાન-પિપાસુ વ્યક્તિ જીભ નો ઉપયોગ બોલવા કરતાં કાનનો ઉપયોગ સાંભળવામાં વધારે કરે, વાચા નો ઉપયોગ કટુ વચન કરતાં મૃદુલ ભાષા પાછળ કરે. શારીરિક ક્ષમતા નો ઉપયોગ કોઈ ઉપર જોહુકમી કરવા કરતાં વૈયાવચ માં કરે, હાથ નો ઉપયોગ સદ-કાર્યો માં કરે નહીં કે ચોરી-ચપાટીમાં.
દુનિયાના કોઈપણ દર્શન ઉપર નઝર કરીશું તો ખ્યાલ આવી જશે કે કોઈપણ કાર્ય ના બે પહેલું હોય જે એક દૃષ્ટિકોણ થી તે કાર્ય ને યોગ્ય તથા ઉચિત દર્શાવે અને તેના વિરોધાભાષી પહેલુથી તે જ કાર્ય અયોગ્ય અને અનુચિત કે દુર્ભાગ્યપૂર્ણ દર્શાવે. માટે કાર્યની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરવા કરતાં તેની પાછળ નો ભાવ કેવો છે તે મહત્વનું છે. શુદ્ધ ભાવથી કરવામાં આવેલા કાર્ય નું પરિણામ નરસું પણ હોય શકે તથા અશુદ્ધ ભાવથી કરેલું કાર્ય શુભ પરિણામ આપે છતાં યોગ્ય જ ઠરે.
આજ સુધીના પચાસ થી વધારે વર્ષોના જીવન કાળમાં જે જે વ્યક્તિઓના સંપર્ક માં મારે આવવાનું થયું અને તેવી વ્યક્તિઓ ના કોઈ પણ કાર્ય નો પ્રભાવ મારા જીવનમાં પડ્યો હોય કે મારા મન-મંદિર માં પડ્યો હોય તેવા કાર્યો તથા બીના કે ઘટનાઓ ને વાર્તા નું સ્વરૂપ આપી આપ મિત્રો ને પીરસવાની ઈચ્છા પોસવાની પ્રક્રિયા માંથી આ બુક નો જન્મ થયો છે. આ બુક માં સ્થાન પામેલ એક પણ પ્રસંગ જીવનની વાસ્તવિકતા થી પરે નથી કે દુર નથી. આશા રાખું છું કે આપ વાંચકો ને જરૂર રસ પડશે.
આપના તરફથી ટીકાના બે શબ્દો મને આગળ વધારે ને વધારે સારું લખવામાં પ્રેરણારૂપ થશે. અને હવે આધુનિક જગતમાં ટપાલીની ટીકીટ નો ખર્ચ પણ ક્યાં લાગે છે! આ રહ્યો મારો ઇમેલ આઈડી,
ઉપરાંત ફોન તથા એસ એમ એસ માટે ૦ ૯૯ ૮૭ ૫૦ ૫૦ ૯૮.

દિલીપ આર પંચમીયા
(ચાર્ટર્ડ એન્જીનીયર)


No comments: