Friday, November 19, 2010

તિમિર નો વિચ્છેદ' વિવિધ સામાજિક પ્રસંગો ને આવરી લેતી પરંપરાગત વિચારધારા થી હટીને વસ્તુ કે બીના જોવાના એક અનોખા દૃષ્ટિકોણ નું અનાવરણ કરતી નવલિકા છે. આ નવલિકા ના કેન્દ્ર બિંદુ માં મુખ્ય પાત્ર ની ભૂમિકા રૂપે રમુભાઇ ની દીર્ઘ દ્રષ્ટિ ની પ્રતીતિ ના દર્શન જરૂર થાય છે. દિલીપભાઈ એ પોતાના પિતા રમણીકભાઈ ને આંખો સામે રાખી રમુભાઇ ના પાત્ર ની રચના બહુજ સુંદર રીતે કરી છે.
નવલિકા વાંચતા વાંચતા તેમાં દર્શાવેલા પ્રસંગો જાણે કે આંખ સામે પ્રતીત થાય છે. આ નવલિકા લખવામાં બહુ જ સરસ ગુજરાતી ભાષા નો પ્રયોગ કર્યો છે અને સમાજ ના દરેક વર્ગ ને આ નવલિકા વાંચવામાં રસ પડે તેનું ધ્યાન રાખી દિલીપભાઈએ આ નવલિકા નું સર્જન કર્યું છે.
વ્યવસાયે ચાર્ટર્ડ એન્જીનીયર, અને સાધારણ પણે વ્યસ્ત જીવન માં આ નવલિકા લખવાનો ક્યારે સમય મળી ગયો હશે તેનું રહસ્ય મારા મન માં સતાવે છે અને જયારે હું મન પર કાબુ ન કરી શક્યો ત્યારે મારા થી દિલીપભાઈ ને પુછાય ગયું. દિલીપભાઈ એ હસતા હસતા મને જવાબ આપ્યો કે દરરોજ સવારે એક-બે કલાક આ નવલિકા ના સર્જન પાછળ તેમને ખર્ચ્યા છે. અને 'દરરોજ' શબ્દ પ્રયોગ ભલે તેમણે કર્યો હોઈ પરતું અઠવાડિયા માં ત્રણ-ચાર દિવસ એક-એક કલાક લખવા પાછળ આપીએ તો તો ખાસ્સો સમય લાગી જાય! દિલીપભાઈ ને આ નવલિકા પૂર્ણ કરતા બે વરસ લાગી ગયા. બે વર્ષ સુધી કોઈ પણ કાર્ય પાછળ, વચ્ચે વચ્ચે ના વિક્ષેપ સાથે ભોગ આપવાનું ભગીરથ કાર્ય કર્યા પછી આવી નવલિકા નું સર્જન થાય તો કાર્ય પાર કરવાની કેટલી પ્રબળ તીવ્રતા તેમના હૃદયમાં વસતી હશે તેનું અનુમાન કાઢી શકાય.
પરંતુ શું ફક્ત કઠીન મહેનત કરવાથી કે ધગસ વડે આવી સુંદર રચના થઇ શકે? કદાચ નહિ. તેને માટે હોશિયારી ની પણ જરૂર પડે. વિચાર આવે કે એક એન્જીનીયર હોશિયાર હોઈ પરંતુ તેના ટેકનીકલ ક્ષેત્ર માં હોય. તેને માટે લીટરેચર માં સર્જન કરવું મુશ્કેલ છે. તે પણ ગુજરાતી ભાષા માં લખવું તેના થી પણ વધારે કઠીન બને. પરંતુ આવા અનેક અવરોધો ને પાર કરી આ નવલિકા સર્જન પામી છે.
દિલીપભાઈ મારા પીત્રાયભાઈ ની દીકરી ના જીવન સાથી હોવાથી સંબંધ ની દ્રષ્ટીએ મારા જમાઈ અને એકજ ઓફીસ માં સાથે લગભગ અઢાર થી વીસ વર્ષો થી અનેક વ્યવસાયિક તથા સામાજિક મુદ્દા ઉપર અમારે જયારે ચર્ચા થાય ત્યારે આ સસરા-જમાઈ નો સબંધ એક બાજુ પર મૂકી છુટા મને વિવાદ અને ચર્ચા થાય ત્યારે તેમના વિચારો નો અનુભવ થયો છે. આ અનુભવ પરથી તેમની કાર્ય-નિષ્ઠા જોઈ વિચાર આવે કે ભલે બહુ મોટા કાર્યો થાય ન થાય પરંતુ જે કોઈ પણ કાર્ય દિલીપભાઈ ના હાથ નીચેથી પસાર થાય તે પરફેક્ટ જરૂર હોય કે તેના પર આંખ બંધ કરી વિશ્વાસ મૂકી શકાય.
અમારી ચર્ચા ઘણા મુદ્દા પર થાય અને અનેકવાર આ ચર્ચા માં ઉમરનો તફાવત તથા સસરા-જમાઈ નો સબંધ આડે આવે અને માં અપમાન જેવી પરિસ્થિતિ નું સર્જન થાય. આવે સમયે પોતાના વિચાર ખુલ્લા દિલ થી કાગળ પર લખી દિલીપભાઈ મને બંધ કવર માં મોકલાવે અને તે બંધ કવર હું રાત્રે મારા ઘરના સ્ટડી ટેબલ પર ફાઈલો ફેરવતા વાચું પછી કાગળ માં લખેલા શબ્દો અને ભાવ ઉપર વિસ્તારથી વિચાર કરું. આમ મને દિલીપભાઈ ના લખાણ નો અનુભવ મહીને-બે મહીને એકાદ વાર જરૂર થાય. પરંતુ એક સુંદર નવલિકા નું સર્જન કરવાની ક્ષમતા તેમનામાં હશે તેનો મારે માટે આ પ્રથમ અનુભવ છે. મેં તેમને પ્રશ્ન કર્યો કે તેમને આ નવલિકા નું સર્જન કરવાને ઈચ્છા કે વિચાર ક્યાં થી આવ્યો? સૌ પ્રથમ તેમને લખવાનો વિચાર ક્યાંથી આવ્યો? ત્યારે દિલીપભાઈએ મને જણાવ્યું કે હવે પચાસ વર્ષ ની ઉંમર થઇ ગઈ છે. સમાજ માંથી ઘણું મેળવ્યું છે. અનુભવે જીવનમાં ઘણું ઘણું શીખવ્યું છે. હવે સમાજ ને કાંઈક પીરસવાની ઇચ્છા છે અને આ ઇચ્છા કોઈ ને જબરજસ્તી પીરસવા કરતાં લખાણ રૂપે જાણેકે બુફે ડીનર ટેબલ પર મૂકી દઉં. જેણે ઇચ્છા હોઈ તે વાંચશે.
દિલીપભાઈ જ્ઞાન પિપાસુ વ્યક્તિ છે. તેમની ડીગ્રીઓ માં ઈંગ્લીશ ની બારાખડી માંથી ભાગ્યે જ કોઈ અક્ષર બાકી રહી ગયો હશે અને હજી પચાસ વર્ષે પણ આગળ ભણવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે તે જોઈ ઘણી નવાઈ લાગે છે.
મિત્રો દિલીપભાઈ માટે લખવા બેસું તો મારે પાસે ઘણું ઘણું છે. પરંતુ અહિયાં વિરમું છું.
આ નવલિકા ના લખાણ પરથી તેમનો આડકતરી રીતે પરિચય વાચક ને થઇ જવાનો છે. મને પુરેપુરો વિશ્વાસ છે કે આ નવલિકા જેમ જેમ આગળ આગળ વાંચતા જાસો તેમ તેમ તેમાં રસ વધતો જશે અને હું શરત પણ મુકું છું કે ફક્ત એક વખત વાચી આપને તૃપ્તી નહીં થાય અને બધા નહીં તો થોડા પ્રસંગો ફરી વાગોળવાની મનમાં ઇચ્છા ભાવના જરૂર થશે અને જો તેમ બને તો લેખક તેના કાર્ય માં સફળ થયા છે તેમ છાતી ઠોકીને જરૂર કહી શકાય.
- હર્ષદ ભાયાણી

No comments: